ઈંગ્લીશ દારૂ સાથે છ આરોપીઓની ધરપકડ: જ્યારે અન્ય ચારને ફરારી જાહેર કરાયા

ઈંગ્લીશ દારૂ સાથે છ આરોપીઓની ધરપકડ: જ્યારે અન્ય ચારને ફરારી જાહેર કરાયા

– લાખાબાવળ ગામની સીમમાં એક વાડીમાંથી ક્રાઈમ બ્રાંચની ટીમે 516 નંગ ઈંગ્લીશ દારૂની બાટલીઓનો માતબર જથ્થો પકડી પાડયો

જામનગર, તા. 22 નવેમ્બર 2020, રવિવાર

જામનગર શહેર-જામજોધપુર અને લાખાબાવળ ગામમાં પોલીસે દારુ અંગે ચાર સ્થળોએ દરોડા પાડયા છે, અને 6 આરોપીઓની ધરપકડ કરી લઈ ઇંગ્લીશ દારૂનો માતબર જથ્થો કબ્જે કર્યો છે, જ્યારે દારૂના સપ્લાયર ચાર શખ્સોને ફરારી જાહેર કરાયા છે. લાખાબાવળ ગામની સીમમાં એક વાડીમાં સંગ્રહ કરવામાં આવેલો દારૂનો મોટો જથ્થો એલસીબીની ટીમે કબજે કર્યો છે.

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, જામનગર તાલુકાના લાખાબાવળ ગામની સીમમાં રહેતા સહદેવસિંહ દિલીપ સિંહ જાડેજા અને તેના બે સાગરીતો એ પોતાની વાડીની ઓરડીમાં ઇંગ્લિશ દારૂ બાટલીઓનો મોટો જથ્થો ઉતર્યો છે, અને તેનું ખાનગીમાં વેચાણ કરવાની પેરવી કરવામાં આવી રહી છે, જે બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે મોડી રાત્રે લાખાબાવળ ગામની સીમમાં પહોંચી જઇ દરોડો પાડયો હતો.

જે દરોડા દરમિયાન વાડીમાંથી જુદી-જુદી બ્રાન્ડની મોટી 306 નંગ ઈંગ્લીશ દારૂની બાટલી જ્યારે નાની 210 નવ મળી કુલ 516 નંગ ઈંગ્લીશ દારૂની બાટલીનો જથ્થો પકડી પાડયો હતો, અને વાડી માલિક સહદેવસિંહ દિલીપ સિંહ જાડેજા, અને તેના સાગરીત શક્તિસિંહ ભૂરૂભા પરમાર, ઉપરાંત જયદીપસિંહ દીલિપસિંહ જાડેજા વગેરે ત્રણ શખ્સોની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 2 લાખ 2 હજારની માલમતા અને દારૂના વેચાણની રૂપિયા 28,800ની રોકડ રકમ વગેરે કબજે કરી લીધા હતા.

ઉપરોક્ત ત્રણેય આરોપીઓની પૂછપરછ દરમિયાન ઉપરોક્ત દારૂનો જથ્થો લાલપુર તાલુકાના કાનાશિકારી ગામના વિપુલસિંહ જાડેજા તેમજ કચ્છ જિલ્લાના ગોવિંદપરના પ્રવિણસિંહ સ્વરૂપસિંહ નામના બે શખ્સોએ સપ્લાય કર્યોહોવાની કબૂલાત કરતાં તે બંનેને ફરારી જાહેર કરાયા છે, અને શોધખોળ હાથ ધરવામાં આવી છે.

બીજો દરોડો જામનગરમાં વિશ્રામ વાડી વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો, જ્યાંથી કપિલ અશોકભાઈ ભદ્રા નામના શખ્સને છ નંગ ઈંગ્લીશ દારૂની બાટલીના જથ્થા સાથે પકડી પાડયો છે, જ્યારે તેને દારૂનો જથ્થો સપ્લાય કરનાર અશોક મિર્ચી નામના શખ્સને ફરાર જાહેર કર્યો છે.

દારૂ અંગેનો ત્રીજો દરોડો જામનગરમાં એરફોર્સ રોડ પર પાડવામાં આવ્યો હતો, જ્યાંથી મોટરસાયકલ પર ઈંગ્લીશ દારૂની બાટલી સાથે નીકળેલા દિવ્યેશ ગિરીશભાઈ ડોબરીયા નામના શખ્સને પોલીસે પકડી પાડયો છે, અને બાઇક તેમજ દારૂ કબ્જે કર્યા છે, જ્યારે તેને દારૂનો જથ્થો સપ્લાય કરનાર કેયુર પટેલ નામના શખ્સ ને ફરારી જાહેર કરાયો છે.

દારૂ અંગેનો ચોથો દરોડો જામજોધપુર મા જકાતનાકા વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો, જ્યાંથી ફર્નિચરનું કારખાનું ધરાવતા હિતેશ કાંતિભાઈ ખાંટ નામના વેપારીને ઈંગ્લીશ દારૂની બાટલી અને બીયરના ટીન સાથે પોલીસે પકડી પાડયો છે, અને તેની સામે દારૂબંધી ભંગ બદલ ગુનો નોંધ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here