આણંદ જિલ્લામાં દિવસ દરમિયાન શીતલહેર ફરી વળતા જનજીવનને અસર

આણંદ જિલ્લામાં દિવસ દરમિયાન શીતલહેર ફરી વળતા જનજીવનને અસર

આણંદ, તા.21 નવેમ્બર 2020, શનિવાર

ઉત્તર ભારતમાં થયેલ હિમવર્ષાના પગલે સમગ્ર આણંદ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી શીતલહેર ફરી વળી છે. આજે પણ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો અને દિવસ દરમ્યાન ઠંડીનો ચમકારો જિલ્લાવાસીઓએ અનુભવ્યો હતો. આગામી એક સપ્તાહમાં તાપમાનનો પારો હજુ નીચે જવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

ઉત્તરભારત સહિત કાશ્મીરના કેટલાક સ્થળોએ થઈ રહેલ હિમવર્ષાને પગલે સમગ્ર ભારત સહિત ગુજરાતમાં પણ ઠંડા પવનોની લહેર શરૂ થઈ છે. દિવાળી પર્વ પહેલા તાપમાનમાં વધારો નોંધાતા ચરોતરવાસીઓએ સામાન્ય ગરમીનો અહેસાસ કર્યો હતો. જો કે છેલ્લા ત્રણ દિવસથી તાપમાન નીચું ગયું છે. ઠંડા પવનો ફુંકાવાના કારણે પ્રજાજનો ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. આજે પણ મહત્તમ-લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાતા વાતાવરણ ઠંડુગાર થઈ જવા પામ્યું હતું. ઠંડા પવનો ફુંકાવાના કારણે જિલ્લાવાસીઓએ દિવસ દરમ્યાન પણ ઠંડીનો ચમકારો અનુભવ્યો હતો. ઠંડીની શરૂઆત થતાં જ ઘર, ઓફિસમાં એસી, પંખા, કુલર બંધ થઈ ગયા છે અને ગરમ વસ્ત્રોના વેચાણમાં ધીમે-ધીમે તેજી આવી છે. બીજી તરફ ઠંડીની શરૂઆત થતા ધરતીપુત્રો રવિપાકના વાવેતરમાં વ્યસ્ત બન્યા છે.

આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યા મુજબ શનિવારના રોજ જિલ્લાનું મહત્તમ તાપમાન ૨૯.૫ ડિ.સે., લઘુત્તમ તાપમાન ૧૫.૦ ડિ.સે. અને સરેરાશ તાપમાન ૨૨.૩ ડિ.સે. નોંધાયું હતું. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૭૯ ટકા, પવનની ઝડપ ૪.૦ કિ.મી./કલાક અને સૂર્યપ્રકાશ ૮.૭ નોંધાયો હતો. આગામી ૨૫ નવેમ્બર બાદ શિયાળાની ઠંડીનું જોર વધશે અને લઘુત્તમ તાપમાન ૧૨ ડિ.સે.ની આસપાસ રહેશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. જો કે ઉત્તર ભારતમાં થઈ રહેલ બરફ વર્ષાને કારણે તાપમાનનો પારો હજી નીચો જવાની શક્યતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here